માથાનાં દુઃખાવા વિશે સામાન્ય માહિતિ
છાસવારે કે સમયાંતરે થતા માથાના દુઃખાવાને જીવનની ઘટમાળમાંહેની એક ઘટના સમજી તેની ના છુટકે સ્વીકાર કરવામાં આવતો હોય છે. તો વળી ક્યારેક ક્યારેક એનું નિદાન પણ દર્દી સ્વયં કરતા હોય છે. જેમકેઃ એસીડિટીને કારણે માથું દુઃખે છે, ઉજાગરો થયો એટલે કે, ઘરના પ્રસંગમાં દોડાદોડી થઈ એટલે માથું દુઃખે છે, આવા આવા નિદાન કરી તેઓ ખુલ્લી માર્કેટમાં મળતી દુઃખાવા શામક દવાઓ લઈ માથાના દુઃખાવાથી મુક્તિ પણ મેળવતા હોય છે! પરંતુ માથાના દુઃખાવાનું ચોક્ક્સ કારણ જાણ્યા વગર સહનકર્યે જવાથી ક્યારેક માથે ઓઢીને રોવાનો વારો આવે છે અને તેમાં પણ જો માથાનો દુઃખાવા સાથે નીચે જણાવેલા અન્ય લક્ષણો પણ હોય તો ગંભીર બિમારી હોઈ શકે છે, જેથી તુરંત ડૉક્ટરી તપાસ કરાવી જોઈએ.
આવા ગંભીરતાસૂચક લક્ષણો એટલેઃ
1. તાવ
2. આંચકી
3. બેભાનાવસ્થા
4. એક તરફના હાથ પગની નબળાઇ (પેરેલીસીસ)
5. દેખાવામાં તકલીફ થવી / ડબલ દેખાવું.
6. ઉધરસ છીંક આવે ત્યારે માથામાં સણકાં આવવા.
7. ગર્ભાવસ્થા દરમ્યાન થતો માથાનો દુઃખાવો
8. અચાનક જ, થોડી મીનીટોમાં જ, જબરદસ્ત, અસહ્ય માથાનો દુઃખાવો શરૂ થવો.
9. દિન પ્રતિદિન દુઃખાવો ખૂબ વધતો જવો, દુઃખાવાની દવાથી પણ થોડા કલાકો જ રાહત થવી / અસર ન થવી.
10. ઊંઘ દરમ્યાન થતો માથાનો દુઃખાવો.
આવા કેસોમાં ડૉક્ટર દ્વારા યોગ્ય તપાસ કરી મગજના ફોટા જેવા કે MRI/CT Scan કરવાની જરૂર રહે છે.
- માથાનો દુઃખાવો (Headache)એ મગજના રોગોમાં સૌથી વિશેષ જોવા મળતું લક્ષણ છે.
- દુનિયામાં ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે જેને ક્યારેય માથું ન દુઃખતું હોય!
- માથાનો દુઃખાવો તે ખુદ રોગ નથી પરંતુ તે અન્ય રોગોનું લક્ષણ છે, કોઈ રોગની સાબીતી છે.શરીર માં કોઈ રોગ હોવા વિશેનું ચેતવણી સૂચક લક્ષણ છે.
- માથું દુઃખવાના તબીબી વિજ્ઞાનમાં ૩૦૦થી પણ વધુ કારણો નોંધાયેલા છે. આ કારણોમાંથી ૧૦% જેટલા કારણો ગંભીર હોય છે, જેમ કે મગજની ગાંઠ. પરંતુ મોટાભાગના (૯૦%) કેસોમાં આ કારણો સામાન્ય હોય છે, જે ગંભીર જાનલેવા / જોખમી હોતાં નથી. દર્દી ને કે તેના મગજ ને બીજી કોઈ રીતે નુકસાન કરતા નથી.
- જે કોઈ વ્યક્તિને વારંવાર / સતત . અતિશય માથુ દુઃખતુ હોય તેમણે ડૉક્ટર પાસે વ્યવસ્થિત તપાસ કરાવવી જોઈએ. જેથી તેનું કારણ જાણી શકાય અને યોગ્ય ઉપચાર થઈ શકે.