ન્યુરોલોજી અને ન્યુરોલોજીસ્ટ/ ન્યુરોફિઝિશિયન એટલે શું?
• ચેતાતંત્ર અને તેને લગતા રોગો અંગેની તબીબી શાખાને ન્યુરોલોજી કહે છે.
• ચેતાતંત્રને લગતા રોગોના નિષ્ણાંત ડૉક્ટરને ન્યુરોફિઝિશિયન કહે છે. ભારતમાં તેઓ DM (Neurology) કે DNB (Neurology) ડિગ્રી ધરાવતા હોય છે.
• DM કે DNB કોર્ષ MD ડિગ્રી ધરાવનાર ડૉક્ટર જ કરી શકે છે. ભારતની જુદી જુદી યુનિવર્સિટી દ્વારા લેવાતી કઠિન પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડે છે. એ પરીક્ષા પાસ કરી ૩ વર્ષની ન્યુરોલોજીની સઘન તાલીમમાંથી પસાર થવુ પડે છે. અને ત્યારબાદ પરીક્ષાઓ આવે છે. આ રીતે ન્યુરોલોજીસ્ટ / ન્યુરોફીઝિશિયન પાસે MBBS, MD (Medicine), DM (or DNB) (Neurology) ડિગ્રી હોય છે.
ન્યુરોફિઝિશિયનના કાર્યક્ષેત્રમાં નીચે જણાવેલા રોગોના ઈલાજ થઈ શકે છે.
- આંચકી / તાણ
- માથાનો દુઃખાવો / ડોકનો દુઃખાવો / કમરનો દુઃખાવો / ચહેરા ઉપરનો દુઃખાવો
- લકવો / મગજ પર થતો હુમલો(સ્ટ્રોક)
- હાથ, પગ કે ચહેરા ઉપરના વિવિધ પ્રકારના લકવા / નબળાઈ
- કંપવાત કે ધ્રૂજારી અને બીજા અસામાન્ય અને અનૈચ્છિક હલનચલનને લગતા રોગો
- ખાલી ચડવી, ઝણઝણાટી થવી, બોદુ લાગવુ, ખૂંચવુ કે બળતરા થવા જેવી શરીરના કોઇ પણ ભાગ પરની સંવેદના
- કોમા(બેશુદ્ધિ), ઘેન કે બીજી ભાન કે બેભાનાવસ્થાને લગતી બીમારી
- અચાનક જ ઝાંખુ દેખાવુ જે આંખની કોઇ બીમારીના કારણે ન હોય
- સ્મૃતિભ્રંશ અને યાદશક્તિની બીમારીઓ
- બોલવામાં અથવા ખોરાક કે થૂંક ગળવામાં/ ઉતારવામાં અનુભવાતી તકલીફ
- ચક્કર કે અંધારા આવવા અને શરીર સંતુલનની બીમારી
- ચાલવાની તકલીફ