૧,
પથારીવશ દર્દી ને નાક દ્વારા પ્રવાહી ખોરાક આપવાની ટ્યૂબ (Ryles tube)
૧. દર્દીને ટ્યૂબ વાટે ફીડિંગ (પ્રવાહી ખોરાક) આપવાનું કાર્ય સિસ્ટર(નર્સ) કરતા હોય છે. ક્યારેક દર્દીના સગાએ તે કામ સંભાળવાનું આવે તો આ પ્રક્રિયા સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ.
૨. ડૉક્ટરની સૂચના બાદ ફીડિંગ (પ્રવાહી ખોરાક) શરૂ કરવાનું હોય છે.
3. આ ફીડિંગ માટે ચા, દૂધ, કોફી, લીંબુ પાણી, નાળિયેર પાણી, ઈલેક્ટ્રોલાઈટ પાવડરનું પાણી, મિક્ષ્ચર વડે એકરસ કરેલ ભાત, ખીચડી, પ્રોટીન પાવડર કે શક્તિ-કેલેરી માટે તૈયાર પેકેટ જેવાં કે, રેક્યુપેક્ષ, ટેનાલિપ, ટેનોટ્યૂબ, ગાળીને તૈયાર કરેલું દાળનું પાણી, વેજીટેબલ સૂપ કે ફ્રૂટ જ્યુસ – ફ્રૂટ શેક વગેરે પ્રવાહી, તબીબની સલાહ મુજબ નિયત માત્રામાં નિયત સમયે આપવાં જોઈએ. આ પ્રવાહી જેટલા પ્રમાણમાં આપવા જણાવ્યું હોય તેટલું જ અને દર બે કે ત્રણ કલાકે આપવું જોઈએ. અને તેની નોંધ રાખી ડૉક્ટરને બતાવવી પણ જોઈએ.
૪. દર્દીને મોઢેથી કે ટ્યુબથી પ્રવાહી આપ્યા પછી અંતરસ આવે કે શ્વાસ ચઢી જાય તો ડોક્ટરને તુરંત જાણ કરવી.
૫. જ્યારે જ્યારે પ્રવાહી આપવાનું હોય ત્યારે સૌ પ્રથમ સિરીંજથી, પેટમાંથી ટ્યૂબ વાટે પ્રવાહી પાછું ખેંચી ખાત્રી કરી લેવી. જો પ્રવાહી ૫૦ સી.સી.થી વધુ નીકળે તો તે વખતે ફિડીંગ આપી ન શકાય. કલાક પછી ફરીથી તે પ્રમાણે ખાત્રી કરી લીધા બાદ જ ફિડીંગ આપવું. પાછું ખેંચેલ પ્રવાહી લોહીના રંગનું કે કોફીના રંગનું હોય તો તુરંત જ ડૉક્ટરનું ધ્યાન ખેંચવું જોઈએ.
૬. કોઈપણ પ્રવાહી આપ્યા બાદ ટ્યૂબમાં ૧૦-૧૫ સી.સી. જેટલું પાણી નાખીને તેને એકદમ સાફ કરવી.
૭. ટ્યૂબને દર પંદર દિવસે બદલવી જરૂરી છે.
૨,
પથારીવશ દર્દીને પેશાબ કરાવવાની ટ્યૂબ (કેથેટર (Catheter);
૧. દર્દીને ચોવીસ કલાકમાં કેટલો પેશાબ થાય છે તેનું માપ રાખવું અને નોંધ કરીને તે ડૉક્ટરને બતાવવી.
૨. દર્દીને ચોવીસ કલાકમાં જો પેશાબ ૨૫૦૦ સી.સી.થી વધુ થાય અથવા ૧૦૦૦ સી.સી.થી ઓછો થાય, તેમજ પેશાબ પીળો, લાલ કે પરૂ જેવો થતો દેખાય તો ડૉક્ટરને જાણ કરવી.
૩. દર કલાકે દર્દીને થતા પેશાબની માત્રા જોતા રહેવી. જો તે ઓછો થતો જણાય તો ડૉક્ટર કે સિસ્ટરનું ધ્યાન દોરવું.
૪. સામાન્ય રીતે જો કેથેટર અંદરનું (Indwelling) હોય તો તેને પંદર દિવસે બદલવું જોઈએ. અગર તે બહારનું કેથેટર હોય તો દર ત્રીજા દિવસે બદલી નાખવું.
૫. જો સિલિકોનનું (સીલાસ્ટીક) કેથેટર મૂકવામાં આવે તો લાંબો સમય ચાલી શકે.
૬. કેથેટર લગાડેલ ભાગ ડ્રેસીંગથી સાફ કરવાની કાળજી રાખવી.
૩,
પથારીવશ દર્દી માટે મળત્યાગ (Motion);
દર્દીનું પેટ હરહંમેશ સાફ થાય તે હિતાવહ છે. પણ બે દિવસ પછી જો ઝાડો (મળત્યાગ) ન થાય તો ડૉક્ટરનું ધ્યાન દોરવું. ડૉક્ટર ફીડિંગ ટ્યૂબ દ્વારા દવા અથવા ગુદાવાટે એનિમા આપવા કે સપોઝિટરી મૂકવાનું સૂચન કરે તે મુજબ કરવું.
૪,
પથારીવશ દર્દી ની આંખની સંભાળઃ
બેભાન દર્દીની આંખ ખુલ્લી જ રહેતી હોય તો તે લાલ થાય અને કોર્નીઆના નાજુક ભાગ ઉપર ચાંદુ (ulcer) થવાથી આંખને અંધાપો આવી શકે. તેથી ડૉક્ટરની સલાહ મુજબ પેડથી આંખ ઢાંકવી તથા આંખના ડોળાને ભીની રાખતાં Moisol વગેરે યોગ્ય ટીપાં નાખવા. તથા જરૂર પડે તો એન્ટીબાયોટિક ટીપાં નાખવાં.
૫,
પથારીવશ દર્દીના (માઉથ કેર);
મોઢામાં ચાંદી, ફોતરી પડે નહિ તે માટે દરરોજ મોઢામાં તપાસ કરવી. દિવસમાં બે વાર મેડીકેટેડ ગ્લીશરીન તથા માઉથફ્રેશનર લગાવવું, ઊલ ઉતારવી, દાંત સાફ કરવા વગેરે અતિ આવશ્યક છે.
૬,
પથારીવશ દર્દી માટે કસરત (Physiotherapy);
દર્દીએ ઘણી વખત લાંબા સમય સુધી કસરત ચાલુ રાખવી પડે છે. દર્દીને એ કામગીરીમાં મદદ થાય તે માટે ઘેર ગયા પછી કસરત ચાલુ રાખી શકાય તે માટે ફિઝિયોથેરપિસ્ટ કે ડૉક્ટર પાસેથી તે અંગેની સમજ મેળવી લેવી. તેમાં કઈ કસરત ક્યારે કેટલા સમય માટે કરવાની છે તેની નોંધ રાખવી જોઈએ. તેમજ તે મુજબ જ કસરત કરાવવી જોઈએ. બધાજ પથારીવશ દર્દીઓ ને કસરત કરાવવી જરૂરી હોય છે, જેમાં સાંધાની કસરત મુખ્ય છે. હાથ માં કાંડુ, કોણી અને ખભા તથા પગમાં ઘૂંટી, ઘૂંટણ અને થાપા ના સાંધા ની કસરત કરાવવી. પગમાં લોહી ન જામે તે માટે ઘૂંટીની / પંજાની કસરત કરવી જોઈએ. અને પગમાં પીંડી આગળ સોજા આવે તો તુરંત જ ડૉકટર નું ધ્યાન દોરવું જોઈએ.
૭,
પથારીવશ દર્દીનો છાતીમાંથી કફ કાઢવો (સક્શન) :
જ્યારે દર્દીને લાંબો સમય સૂઈ રહેવાનું હોય ત્યારે, શ્વસનતંત્રમાં પણ મુશ્કેલી આવે છે. છાતીમાં કફ ભરાઈ જાય, છાતીમાંથી અવાજ આવે… તેમાંથી ન્યુમોનિયા થવાનો ડર રહે છે. વળી શ્વાસોચ્છવાસ પણ તેનાથી ખોરંભાય છે. આવા દર્દીને વારંવાર છાતીમાંથી પતલી ટ્યૂબ દ્વાર સક્શન કરી શ્વાસ ચોખ્ખો રાખવો જોઈએ. તેની વિધિ સામાન્ય રીતે નર્સિંગ સ્ટાફ કરતો હોય છે, પરંતુ દર્દીના જાગૃત સગાઓ પણ સારી રીતે કરી શકે. ખરેખર તો આ માટે ડીસ્પોઝેબલ કેથેટર વાપરવું વધુ યોગ્ય છે.
૮,
પથારીવશ દર્દી માટે સામાન્ય દેખભાળ (Nursing care)
1. દર્દીની પથારી સ્વચ્છ અને કરચલી વગરની રાખવી. દર્દીના માથાનો ભાગ ૩૦ થી ૪૦ ડિગ્રી ઊંચો રહે તેવી રીતે ગોઠવવું.પથારીમાં જરૂર લાગે ત્યારે પાવડર છાંટવો જોઈએ. સ્વજનોએ દર્દીની પથારીમાં શક્યતઃ બેસવું જોઈએ નહિ.
૨. દર્દી બેહોશ હોય ત્યારે દર્દીનું માથું ૩૦ થી ૪૦ ડિગ્રી ઊંચુ રહે તેવી રીતે સુવાડવા.
૩. દર્દીને પડખાભેર સુવાડવા (lateral semiprone position) તેમજ દર એક બે કલાકે પડખું બદલતા રહેવું જોઈએ. દર્દીને શરીરમાં ચાંદા ન પડે તે માટે આ કાળજી લેવી ખૂબ જરૂરી છે.
૪. દર્દીને ભાઠાં કે ચાંદા ન પડે તેનું સતત ધ્યાન રાખવું જોઈએ. ચામડીનો રંગ બદલાય, ચામડી ઘસાય કે છોલાય તો ડૉક્ટર અને નર્સનું ધ્યાન દોરવું અને ત્યાં દબાણ ન આવે તે જોવું જોઈએ.
૫. તેમ છતા પણ જો નાનકડું ચાંદુ પડે તો તે વકરે નહીં તે માટે તુરંત જ સારવાર –ડ્રેસીંગ કરાવવું જોઈએ.
૬. જો લાંબા સમયની બીમારી હોય, અને દર્દી તદ્દન પથારીવશ હોય, એવા સંજોગોમાં દર્દી માટે પાણી ભરેલી પથારી (water bed) ની જરૂર પડે છે. તબીબની સલાહ મુજબ જ દર્દીને વોટર બેડ પર સુવાડવાની વ્યવસ્થા કરી શકાય. ક્યારેક હવાની પથારી (એર બેડ) અથવા સ્પોંજબેડ વાપરી શકાય.
૭. દર્દીને દરરોજ સ્પંજ (ભીનાં પોતાંથી શરીર સાફ) કરાવવું.
૮. દિવસમાં બે વખત દર્દીનું મોઢું નર્સ પાસે સાફ કરાવવું ઉપરાંત દર્દીના સગા પણ આ જવાબદારી નિભાવી શકે છે.
૯. દર્દી ભાનમાં હોય ત્યારે શક્ય હોય તો બેસાડીને જ ખોરાક આપવો.
૧૦. દર્દીને શ્વાસ વધુ લાગે કે તાવ વધુ જણાય ત્યારે નર્સ કે ડૉક્ટરનું ધ્યાન દોરવું.
૧૧. પથારીવશ દર્દીને કબજિયાતની વધારે તકલીફ રહેતી હોય છે. જો બે દિવસ કરતા વધારે કબજિયાતની તકલીફ રહે તો ડૉકટર ને જાણ કરવી
૯,
પથારીવશ દર્દી માટે કુટુંબીજનોની વિશિષ્ટ ફરજઃ
દર્દીને રોગમુક્ત કરવામાં ઘણાં પરિબળો ભાગ ભજવે છે. તેમાં કુટુંબીજનોએ આપેલી સેવા-શુશ્રુષા મહત્વની છે. દર્દીની ચિકિત્સા ઉપરાંત પ્રેમભરી લાગણી પણ જાદુઈ કામ કરે છે. તેનાથી દર્દીના મનોબળમાં વધારો થવાથી સાજા થવાની દર્દીની આંતરિક શક્તિમાં ચેતના પ્રગટે છે.
• હોસ્પિટલમાં સ્વજનોએ દર્દીની પાસે વારાફરતી દિવસ રાત સંભાળ માટે રહેવું જોઈએ. અને તેનું સતત ધ્યાન રાખવું જોઈએ. દર્દીને ક્યારેય એકલો મૂકવો નહિ. એવા સમયે ક્યારેક દર્દી પલંગમાંથી નીચે પડી જવાની શક્યતા રહેલી છે. જરૂર પડ્યે પલંગને રેલિંગ મૂકાવી શકાય.
• દર્દીને શાંતિ અને આરામ ની જરૂર હોવાથી તેના પલંગ પાસે મોટેથી વાતો કરવી નહિ કે ઘોંઘાટ થવા દેવો નહિ.
• રૂમમાં સ્વચ્છતા જાળવવી.
• દર્દી પાસે વધુ વ્યક્તિને ભેગી થવા ન દેવી. તેમાં દર્દીને ચેપ લાગી જવાનો ભય રહેલો છે. રોગિષ્ઠ સ્વજન દર્દીની તબિયત પૂછવા આવ્યા હોય તો તેને દર્દીથી અચૂક દૂર રાખવા.
• દર્દીની ખબર કાઢવા આવનાર વ્યક્તિએ દર્દી સાંભળે તેમ બીમારી, મૃત્યુ કે બીજી આઘાતજનક વાતો ન કરવી જોઈએ. આવી કોઈપણ વાત દર્દીના મનોબળને ઘટાડે છે. આવા લોકો દર્દી પાસે જાય નહિ તેની કાળજી રાખવી.
• દર્દ, દવા, ડૉક્ટર કે દવાખાના અંગે જાણેલા-સાંભળેલા ખરાબ અનુભવો, માન્યતાઓની વાતો પણ દર્દી કે તેના પરિવારના સભ્યો, તેની સારવારમાં રોકાયેલા સ્વજન સમક્ષ કરવી જોઈએ નહિ. તેના કારણે દર્દી અને સગા મૂંઝવણમાં મુકાય છે, જે દર્દીના સ્વાસ્થ્ય-સારવારમાં વિક્ષેપ ઊભો કરે છે.
• દર્દીની સાગમટે ખબર કાઢવા જવાની પ્રથામાં કેટલાક ફેરફાર કરવાની હવે ખાસ જરૂર જણાય છે. જેમ કે, દર્દી માટે ફળો અથવા પુષ્પગુચ્છ, ગ્રીટીંગ્સ કાર્ડ અર્પણ કરીને શુભેચ્છાની લાગણી વ્યક્ત કરી શકાય. ઘરે કે ધાર્મિક સ્થળે પ્રાર્થના કરી શકાય. દર્દીને પણ પ્રાર્થના કરવા સમજાવી શકાય. પ્રાર્થનામાં રોગીને સાજા કરવાની અપ્રતિમ શક્તિ હોય છે. દર્દીને પસંદ હોય તેવા સુમધૂર સંગીતની કેસેટ ધીમા સ્વરે વગાડી શકાય.
• એ આપણું કમનસીબ છે કે મેડિકલ ઈન્સ્યોરન્સની પ્રથા પ્રત્યે આપણી પ્રજામાં જોઈએ તેટલી જાગૃતિ નથી અને સામે મેડિકલ સારવાર દિનપ્રતિદિન મોંઘી થતી જાય છે. એવી પરિસ્થિતિમાં જેમનો ઈન્સ્યોરન્સ ન હોય અને આર્થિક સહાયની જરૂર હોય તો ડૉક્ટરનું અચૂક ધ્યાન દોરવું. તેમના માર્ગદર્શનથી સામાજિક સંસ્થાઓ દ્વારા દવાઓ સસ્તા દરે મેળવી શકાય છે. આવી કેટલીક સંસ્થાઓ મોટાં શહેરોમાં કામ કરે છે. હોસ્પિટલનાં સામાજિક કાર્યકર અહીં માર્ગદર્શન આપી શકે.