ચહેરાનો લકવો / બેલ્સ પાલ્સી

     .
  • ચહેરાનો લકવો એ વાઈરસથી થતો રોગ છે, જે બેલ્સ પાલ્સીથી ઓળખાય છે.
  • આ અનેક પ્રકારના વાઈરસમાંથી સામાન્ય રીતે  એપસ્ટીન બાર, હર્પિસ અને સાયટોમેગાલો નામના વાઈરસ ચહેરાના લકવા માટે કારણભૂત હોય છે.
  • લકવગ્રસ્ત ચહેરાના દર્દી ને આંખ બંધ કરવામાં તકલીફ પડે છે, કોગળા કરતી વખતે મોઢામાંથી પાણી નીકળી જાય છે, આંખમાંથી આંસુ અધિક પ્રમાણમાં આવે છે, ચાવવામાં તકલીફ પડે છે, મોઢું વાકું લાગે છે, કાનની પાછળ દુઃખાવો થાય છે, એક બાજુ ની જીભ પર સ્વાદ ઓછો અનુભવાય છે..વગેરે લક્ષણો જોવા મળે છે.
  • મગજમાં કુલ ૧૨ ચેતાઓ આવેલી હોય છે, જેમાં ૭ માં નંબરની ચેતા (ફેસીયલ નર્વ) ચહેરાની એક બાજુને શક્તિનું  નિયમન કરનારી હોય છે.  આ ચેતામાં સોજો આવવાથી આ તકલીફ થાય છે.
  • આ તકલીફ પ્રથમ ૪૮ કલાકમાં વધી ને  સ્થિર થઈ જાય છે. અને જો તુરંત સારવાર શરૂ કરવામાં આવે તો સરેરાશ ૧ થી ૨ મહિનામાં ૯૫% માં સુધરી જાય છે, અને ચહેરો પૂર્વવત્‌ સ્થિતિ પ્રાપ્ત કરે છે.
  • અમુક કેસ (૩%) માં આ રોગ ફરી ઉથલો મારી શકે છે, પરંતુ તેનુ પ્રમાણ નહીંવ‌ત્‌ છે.
  • ચહેરાનો લકવો ચહેરા પૂરતો સ્થગિત રહે છે, તેમાં  હાથપગ ખોટા પડી જવાનો ભય રહેતો નથી.
  • સારવારમાં દવા ઉપરાંત કસરત અને આંખની સંભાળ રાખવાની હોય છે.
  • જો આંખ વધારે ખૂલી રહે અને પૂરતી સંભાળ રાખવામાં ન આવે તો આંખની કીકી પર ચાંદુ પડવાની શક્યતા રહે છે.  આથી જો આંખ ખૂબ લાલ થાય / દુઃખે તો ડૉક્ટરનો સંપર્ક કરવો.
  • આંખની સંભાળ માટે સાદા ચશ્મા / ગોગલ્સ પહેરવા, આંખના ટીપાં અને મલમનો ઉપયોગ કરવો.
  • અલગ અલગ કસરતો જેવી કે ફૂગા ફુલાવવા, ચ્યુઈંગગમ ચાવવી, નેણ ભેગા કરવા, નેણ ઊંચા કરી કપાળ પર કરચલીઓ પાડવી, ચહેરા પર ઊલટુ માલિશ કરવું, હળવા કરંટની સારવાર વગેરે હોય છે...