સેરિબ્રલ પાલ્સી (CEREBRAL PALSY) (C.P.)

  • આ રોગમાં બંને પગ, ચારેય હાથ-પગ અથવા તો એક બાજુના હાથ-પગમાં ખોડ-ખાંપણ (જેમકે લકવો) થાય છે. તથા સાથે સાથે ઘણીવાર, કાંઈક અંશે મંદબુદ્ધીમતા  તથા મગજમાંથી ઉદ્‌ભવતી ખેંચ થાય છે.
  • દર હજારે આશરે બે બાળકોને થતો આ એક પ્રકારનો મગજનો રોગ છે.
  • આ રોગ સામાન્ય રીતે બાલ્યાવસ્થામાં, કોઇક કારણસર, વિકસતા મગજને નુકસાન થવાથી થાય છે. 
  • આ રોગની લાક્ષણિકતા એ છે કે, ઉંમર વધતાં તેમાં ધીરે ધીરે સુધારો થતો જાય છે! રોગ વધતો – વકરતો નથી. આમ છતા જે રોગો ધીરે ધીરે વધતા જાય છે તે રોગો સેરિબ્રલ પાલ્સી હોતા નથી.

૧, સેરિબ્રલ પાલ્સીનાં કારણોઃ

સેરિબ્રલ પાલ્સી થવાનાં કારણોને આપણે મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકીએઃ

જન્મ પહેલા (ગર્ભાવસ્થા દરમિયાન)

 અધૂરા મહિને બાળકનો જન્મ થવો.

 ગર્ભાવસ્થાની શરૂઆતમાં માતાને વાયરસનો ચેપ લાગવો.

 માતા- પિતાનાં લોહીનાં બ્લડ-ગ્રૂપ પ્રકારમાં અસમાનતા.

 આનુવંશિક બીમારીઓ.

 માતાની પોતાની જ બીમારી અને તેથી ઉદ્‌ભવાતી ગર્ભના વાતાવરણ તથા વિકાસમાં ખામી.

જન્મ સમયે

 ખૂબ લાંબો સમય પ્રસૂતિની પીડા અને તેથી બાળકનાં ધબકારા ઓછા થાય અથવા વધી જાય

 ઓજારો જેવા કે, ફોરસેપ્સ, વેક્યુમથી  બાળકનો જન્મ કરાવતી વખતે મગજ ઉપર આવતું દબાણ.

 બાળકનાં ગળાં ફરતે ગર્ભનાળ વીંટળાયેલ હોય

 જન્મીને તુરંત બાળક કોઇ કારણસર રડે નહીં તો મગજને અપૂરતું લોહી-ઓક્સિજન મળવાથી મગજને નુકસાન થાય.

જન્મ પછી તુરંત            

 આંચકી આવવી.

 ગંભીર અને ભારે કમળો થઇ જવો.

 લોહીમાં ખાંડ ( સુગર ) ઓછી થવી.

 લોહીમાં ચેપ.

 લોહીમાં કેલ્શિયમ ઓછું મળવું.

 મગજના ચેપથી થતા રોગો જેવા કે, મેનેન્જાઈટીસ, એન્સેફેલાઈટીસ વગેરે થવા.

ઉપર જણાવેલાં ઘણાં કારણોને રોકી શકાય છે, પરંતુ તે માટે આપણે સહુએ સજાગ રહેવું જરૂરી છે. 

 સેરિબ્રલ પાલ્સીને રોકવા માટે પ્રસૂતિ હોસ્પિટલમાં જ કરાવવી જોઇએ અને સગર્ભાવસ્થા દરમ્યાન નિયમિત ડૉક્ટરી ચેક-અપ કરાવવું જોઇએ. 

ઘણા કેસોમાં સેરિબ્રલ પાલ્સી થવાનું કોઇ જ કારણ મળતું નથી.  

 


 

૨, સેરિબ્રલ પાલ્સીનાં પ્રકારઃ

 સ્પાસ્ટિક સેરિબ્રલ પાલ્સી (C.P.)

 સેરિબ્રલ પાલ્સી નો આ એક  સૌથી સામાન્ય પ્રકાર છે.

 આ પ્રકારમાં સ્નાયુઓ ખેંચાયેલા, તંગ અને કડક રહે છે. પરિણામે અસર પામેલા હાથ- પગને વાળવામાં કે સીધા કરવામાં જોર કરવું પડે છે, બલકે તેમ કરવું કઠિન બને છે.

 કાતરના પાંખિયાની માફક, બંને પગ એક બીજા પર દોઢાઈ જવાથી પગની આંટી કે ચોકડી પડે છે.

 ઊભા રહેવામાં કે ચાલતી વખતે બાળક માત્ર પંજાનો જ ઉપયોગ કરે છે અને એડી ઊચી રાખે છે.

 શરીરનાં અંગ પર થયેલી અસર મુજબ સ્પાસ્ટિક સેરિબ્રલ પાલ્સી (C.P.)ના પેટા પ્રકાર નીચે મુજબ છે.

 હેમીપ્લેજીઆઃ જ્યારે અડધું અંગ એટલે કે એક બાજુના હાથ-પગના સ્નાયુઓમાં અસર દેખાય છે.

 ડાઈપ્લેજીઆઃ બંને પગના સ્નાયુઓ ઉપર અસર હોય અને બન્ને હાથમાં થોડી અસર જણાય.

 ક્વાડ્રોપ્લેજીઆઃ જ્યારે બંને હાથ અને બંને પગ તથા ધડનાં સ્નાયુઓમાં અસર દેખાય છે.

 

 ડીસ્કાઈનેટીક સેરિબ્રલ પાલ્સી (C.P.) (ડીસ્ટોનિક , એથીટોઈડ)

 શરીરના અંગોમાં આપમેળે જ હલનચલન થયા કરે છે! તેથી ઈચ્છા મુજબ કાર્ય કરવામાં તકલીફ થાય છે.

 શરીર ધનુષની જેમ પાછળ વળી જાય છે અને મગજ કાબૂમાં રહેતું નથી.



 એટેક્સિક સેરિબ્રલ પાલ્સી (C.P.) અને હાઈપોટોનિક સેરેબ્રલ પાલ્સી (C.P.)

 શરીરનું સમતોલન જળવાતું નથી.

 શરીરના સ્નાયુઓ ઢીલા રહે છે.

 શરીર જાણે કે રબરનું બનેલું હોય તેવું લાગે છે.

 

 













 

 

૩, સેરિબ્રલ પાલ્સીનાં લક્ષણોઃ

 જન્મ પછીના પ્રથમ માસ સુધી નોર્મલ દેખાતું બાળક ધીમે ધીમે તેના વિકાસમાં ખૂબ પાછળ રહે છે. 

 બાળકના વિકાસના તબક્કા વિલંબિત રહે છે અને તે અન્ય બાળક કરતા બેસતાં, ચાલતાં, બોલતાં મોડું શીખે છે.

 ચાલવાનું શીખે તો પગના પંજાના આગળના ભાગ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કરે છે. અને ચાલવામાં તેને ખૂબ તકલીફ પડે છે.

 મગજનો વિકાસ અને બુદ્ધિશક્તિમાં ઘણાં બાળકો કમજોર રહે છે, બોલવાનું મોડું શીખે છે તથા ઉચ્ચારો સ્પષ્ટ હોતા નથી.

 કેટલાંક દર્દીઓના ચહેરાનું  નિરીક્ષણ કરવાથી તે મંદબુદ્ધિનું બાળક હોય તેવું જણાઈ આવે છે.

 કેટલાંક બાળકો ખૂબ તોફાની અને જિદ્દી પણ હોઈ શકે.

 ઘણાને ખેંચ/ આંચકી પણ આવે છે.

 આ સિવાય નીચે જણાવેલી કેટલીક તકલીફો સામાન્ય રીતે જોવા મળે છે.

     o ત્રાંસી આંખ 

     o જોવાની તકલીફ

     o સાંભળવાની તકલીફ

     o મંદબુદ્ધિમતા

 

૪, સેરિબ્રલ પાલ્સીનું નિદાનઃ

 જન્મ પછી બાળકનો ઉંમર પ્રમાણે વિકાસ થતો નથી, તેવો માતા-પિતાને સૌથી પહેલાં ખ્યાલ આવે છે.  બાળક ગરદન ટટ્ટાર રાખવી, નજર ફેરવવી, પડખું ફેરવવું, બેસવું, ચાલવું વગેરે ક્રિયાઓ (માઈલસ્ટોન) બાળક શીખતું નથી. 

 બાળક જો મંદબુદ્ધિનું હોય તો માતા-પિતાને કે ઘરના સભ્યોને ઓળખતાં પણ શીખતું નથી.

 બાળકની તપાસ કરીને મહદ્‌અંશે ડૉકટર નિદાન કરી શકે છે. બાળકના જન્મ સમયની માહિતી,જ્ન્મીને બાળકના રડવામાં વાર લાગવી, બાળક જન્મીને ભૂરું પડી ગયું હોય તેવી કોઈ માહિતી હોય તો નિદાનમાં સરળતા રહે છે.

 જરૂર મુજબ એમ.આર.આઈ. કે બીજી તપાસ (દા.ત. ઇ.ઇ.જી.) કરાવવી પડે છે, જે ચોક્કસ નિદાન તરફ દોરી જાય છે.

 

 

૫, સેરિબ્રલ પાલ્સીની સારવારઃ


 સેરિબ્રલ પાલ્સીના કેસમાં કસરત (ફિઝિયોથેરાપી) તથા યોગ્ય દવાઓના સંયોજનથી લાંબા ગાળે થોડો ફાયદો થઈ શકે છે. 

 કેટલાંક બાળકોને સામાન્ય તકલીફ હોય તો સુધારો ઝડપથી થાય છે. પરંતુ જે બાળકોનાં ચારેય હાથપગ  અસરગ્રસ્ત હોય , મગજમાં ગંભીર ક્ષતી પહોંચી હોય અને બુદ્ધિઆંક ઓછો હોય તેમની સારવાર અતિશય મુશ્કેલ બને છે. આ પ્રકારના તીવ્ર રોગના દર્દીઓને સારું થવાની શક્યતા નહીંવત્‌ હોય છે.

 સેરિબ્રલ પાલ્સીનું દર્દી સંપુર્ણ રોગમુક્ત બને તેવી દવા ઉપલબ્ધ નથી કે ઓપરેશન શકય નથી.  

આ રોગના ભોગ બનેલ બાળકોને કાયમ માટે નાની-મોટી ખોડ-ખાંપણ રહી જાય છે. તથા મગજને લગતી કેટલીક તક્લીફ પણ રહેતી હોય છે. પરંતુ આથી હતાશ થઈ જવાની જરૂર નથી, આવાં બાળકોને વહેલામાં વહેલીતકે ખાસ પ્રકારની તાલીમ ચાલુ કરવી પડે છે.

 પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને અપાતી તાલીમને “અર્લી ઈન્ટરવેન્શન” (early intervention)  કહે છે. આ તાલીમમાં બાળકની માંદગીને ધ્યાનમાં રાખી નીચે જણાવેલા નિષ્ણાંતોનો સહકાર અને ફાળો જરૂરી છેઃ


  •  ડેવલપમેન્ટલ ફિઝિયોથેરાપીસ્ટઃ બાળકના વિકાસ અને બુદ્ધિ અંગેના કસરત નિષ્ણાંત.   

  •  ચાઈલ્ડ સાયકોલોજિસ્ટઃ બાળ મનોચિકિત્સક.  

  •  સ્પીચ થેરાપીસ્ટ અને ઓડિયોલોજિસ્ટઃ બાળકના ભાષા વિકાસના નિષ્ણાંત તથા શ્રવણ નિષ્ણાંત.

  •  એક્યુપ્રેશર થેરાપીસ્ટઃ

  •  સ્પેશિયલ ટીચરઃ બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસના પાસાંઓ વિશેનો નિષ્ણાંત શિક્ષક.

  •  ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટઃ બાળકના મગજ અને ચેતાતંત્રના નિષ્ણાંત ડૉક્ટર.


 આ ઉપરાંત જરૂર પડે તો હાડકાના ડૉક્ટર, આંખના ડૉકટર અને કાનના ડોક્ટરનો અભિપ્રાય  પણ લેવો પડે છે.

 આવી સઘન અને સર્વાંગી સારવારનું  ધ્યેય હોય છેઃ


  •  દૈનિક દેહધાર્મિક કાર્યોમાં સ્વાવલંબન.

  •  સામાજિક યોગ્યતા.

  •  શૈક્ષણિક લાયકાત.

  •  આર્થિક સ્વાવલંબન.