૧,
વાઇ / આંચકી / તાણ (EPILEPSY) નાં કારણોઃ
- બાળકનું જન્મ થતાં તુરંત ન રડવું (બાળસાદ ન દેવો).જન્મ બાદ તુરંત ન રડવાથી બાળકના મગજને ઓક્સિજન મળતો નથી અને તેથી તેના કુમળા મગજને નુકસાન થાય છે, જે પછીથી વાઈનું કારણ બને છે.
- મગજની ગાંઠ (Brain Tumor).
- માર્ગ-અકસ્માત અને અન્ય પ્રકારની માથાની ઇજા ( Head Injury ).
- મગજના ચેપી રોગો (મગજનો ટી.બી.,મગજની રસી) ને કારણે મગજને થતું નુકસાન.
- વારસાગત કારણો ( Hereditary ).
- કિડની, યકૄતની બીમારીઓ.
- સ્ટ્રોક / પેરેલિસીસ સમયે મગજને થયેલ નુકસાન.
- કોઈ ચોક્કસ કારણ વગર ( Idiopathic ).
૨,
વાઇ / આંચકી / તાણ (EPILEPSY) નું નિદાન:
વાઇના નિદાન માટે ન્યુરોલોજીસ્ટ્સ નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે.
૧) દર્દીની સાથે બનેલી ઘટનાની વિગતવાર પૂછપરછ.
૨) EEG (ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ), સાદી ભાષામાં કહીએ તો મગજના વિદ્યુત તરંગો નો ગ્રાફ. જેમ હ્રદય રોગ માટે હ્રદય નો ગ્રાફ(કાર્ડીયોગ્રામ) કાઢવામાં આવે છે તેમ આંચકી માટે મગજનો ગ્રાફ તેના સ્પેશિયલ કમ્પ્યુટરાઇઝ્ડ્ મશીન દ્વારા નિષ્ણાત ટેકનિશીયનોની મદદથી આલેખવામાં આવે છે. અને તેનું વિગતવાર વિશ્રલેષણ ન્યુરોફિઝિશિયન દ્વારા કરવામાં આવે છે, જે વાઇનાં નિદાનમાં અને વર્ગીકરણમાં મદદરૂપ બને છે.
૩) મગજનો આધુનિક ફોટોગ્રાફ(MRI). વાઇ માટે સામાન્ય રીતે, ૧.૫ ટેસ્લાની કેપેસિટિના મશીનમાં સ્પેશિયલ ટેકનિકથી એમ.આર.આઇ કરવામાં આવે છે.જે વાઇનું કારણ શોધવામાં અત્યંત મદદરૂપ બને છે.
૪) અમુક ચોકકસ કિસ્સાઓમાં અન્ય રિપોર્ટ્સ જેવાં કે, લોહીની તપાસ / પેશાબની તપાસ તથા કરોડરજ્જુમાંથી ખેંચેલ પાણી(CSF) ની તપાસ જરૂરી બને છે.
૩,
વાઇ / આંચકી / તાણ (EPILEPSY) નો ઉપચારઃ
- વાઇનો ઉપચાર મુખ્યત્વે દવાઓ દ્વારા કરવામાં આવે છે.
- આજે વિજ્ઞાનની હરણફાળને પ્રતાપ વાઇ માટે ઘણા પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. અને તેમાં નિયમિતપણે ઉમેરો થતો જાય છે.
- વર્તમાન યુગમાં મોટાભાગની દવાઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે યોગ્ય રીતે લેવામાં આવે તો ગંભીર આડાઅસરો કરતી નથી. અને ખૂબ જ અસરકારક રહે છે. આ દવાઓથી બુદ્ધિશક્તિ/યાદશક્તિ કુંઠિત થતી નથી.
- ન્યુરોફિઝિશિયન ડૉકટર આ દવાઓમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી દર્દીના વજન પ્રમાણે દવા લખી આપે છે, જે લગભગ ૨ થી ૩ વર્ષ સુધી નિયમિત લેવી પડે છે.
- જો કોર્ષ દરમ્યાન, વચ્ચે આંચકી આવી જાય તો દવાનો કોર્ષ લંબાવવો પડે છે.(છેલ્લી આંચકી આવ્યાથી ૨-૩ વર્ષ સુધી).
- સારવાર દરમ્યાન દર્દીએ ન્યુરોલોજીસ્ટ ડૉકટરના નિયમિત સંપર્ક માં રહેવું જોઇએ, જેથી દવાની અસર / આડઅસર / નિયમિતતા / દર્દીનું વજન વગેરે તપાસી શકાય.
- વાઇની દવા શરૂ કર્યા પછી ૩-૪ મહિનાની અંદર સામાન્ય રીતે તેની અસરકારકતા સાબિત થઇ જાય છે.
- કોર્ષ પૂરો થયા બાદ, ડૉક્ટર યોગ્ય તપાસ કર્યા બાદ, દવા ધીમે-ધીમે ઘટાડીને બંધ કરવાની સલાહ આપે છે.
- દવાથી પરિણામ ન મળતું હોય તેવા અમુક ચોક્કસ દર્દીઓ માટે ઓપરેશન અને અન્ય સારવાર પણ ઉપલબ્ધ છે.
૪,
વાઇ / આંચકી / તાણ (EPILEPSY) નાં દર્દીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ
૧. જોખમો હોય તેવા સ્થળોએ રહેવાનું ટાળો, જેમકે આગ / ઊંચાઈ / ઊંડું પાણી, ગીચ ટ્રાફિક.
૨. ઉજાગરા કરવા નહી.
૩. ભૂખ્યા રહેવું નહીં.
૪. વધુ પડતો શ્રમ-થાક-ટેન્શન-ચિંતા ટાળો.
૫. ડૉક્ટરની સલાહ વિના દવા બંધ કરવી નહીં. તેમજ દવાના ડોઝ માં ફેરફાર કરવા નહીં.
૬. કૌટુંબિક સભ્યો તથા નજીકના સગાં તેમજ જેમની સાથે કામ કરતા હોય તે લોકોને તમને આંચકી ની બીમારી છે એ જણાવો.અને આ લોકોને આંચકી નો હુમલો આવે ત્યારે શું કરવું અને શું ના કરવું જોઈએ, એ જણાવો.(જુઓ આંચકીમાં પ્રાથમિક ઉપચારની ટિપ્સ.)
૭. ખિસ્સામાં નામ/ સરનામું ,નજીકના સગાં નો ફોન નંબર અને તમને વાઇ ની તકલીફ છે તે જણાવતું કાર્ડ રાખો.
૫,
વાઇ / આંચકી / તાણ (EPILEPSY) નાં દર્દીઓને સ્પર્શતા વિશેષ મુદ્દાઓઃ
ડ્રાઇવિંગઃ
મોટા ભાગના દેશોમાં આંચકીમુક્ત સમયગાળો ધ્યાનમાં રાખીને નિયંત્રિત લાઇસન્સ અપાય છે. જો કે ભારતમાં દર્દીને આંચકી આવતી હોય ( સિવાય કે બાળપણમાં વાઇ) તો તેને ડ્રાઇવિંગ લાઇસન્સ અપાતું નથી.
પ્રવાસઃ
પૂરતા પ્રમાણમાં દવાઓ સાથે રાખવી અને તે આસાનીથી મળી આવે તેવી સુરક્ષિત જગ્યામાં રાખવી. વધુ પડતી ઉત્તેજના, ડિહાઇડ્રેશન અને થાક ટાળવો.
લગ્નઃ
ઇન્ડિયન એપિલેપ્સી એસોસિયેશનના પ્રયાસને લીધે કેન્દ્ર સરકારે ૧૯૯૯માં ખરડો પસાર કર્યો છે, જેમાં વાઇ સાથેની વ્યક્તિ કાયદેસર પરણી શકે એવી જોગવાઇ લાવવામાં આવી છે. કમનસીબી એ છે કે મોટા ભાગના વાઇનાં દર્દીઓ લગ્નપૂર્વે પોતાને આ બીમારી છે એ વાત છુપાવે છે, જેને લીધે પછી છૂટાછેડા પરિણમે છે.વાઇ સાથેની વ્યક્તિ ભારતમાં કાનૂની રીતે લગ્ન કરી શકે છે. જોકે લગ્નપૂર્વે તમારા ભાવિ જીવનસાથીને તમારી બીમારી વિશે આગોતરી જાણ કરી દેવી હિતાવહ છે. જો તમારા ડૉક્ટરનો સમય લઈને તમારા જીવનસાથીને તેઓ તમારી આ સ્થિતિ વિશે સમજાવે તો તે વધુ બહેતર રહેશે.
ગર્ભાવસ્થાઃ
વાઇ સાથેની મહિલા ગર્ભવતી બની શકે અને સામાન્ય બાળકને જન્મ પણ આપી શકે છે. હકીકતમાં આવી મહિલાઓમાં સામાન્ય અને તંદુરસ્ત બાળકને જન્મ આપવાની સંભાવના ૯૦ ટકા જેટલી છે. વળી, બાળકને વાઇની ખામી લાગુ થાય એવી શક્યતા માત્ર પાંચ ટકા જ છે. જો કે તમે ગર્ભવતી છો એવી જાણ થતાં જ તે વિશે તમારા ડૉકટરને વાકેફ કરવું અત્યંત મહત્વનું છે. આનું કારણ એ છે કે, વાઇની દવાઓ ગર્ભને નુક્સાન કરી શકે છે. સામાન્યપણે સહેજ જીવનશૈલીમાં ફેરફારો સાથે વાઇની બીમારી સાથેની મહિલાને સામાન્ય પ્રસૂતિ થઇ શકે છે અને માતૃત્વ માણી શકે છે.
શરાબઃ
વાઇના દર્દીઓએ શરાબનું સેવન ટાળવું જોઇએ.આવા દર્દેઓને શરાબ બરબાદ કરી શકે છે.
૬,
વાઇ / આંચકી / તાણ (EPILEPSY) વિશે વારંવાર પૂછાતા પ્રશ્નોઃ
૧) જો કોઇ વ્યક્તિને ખેંચનો પ્રથમ હુમલો આવે તો બીજો હુમલો આવવાની સંભાવના ખરી?
ખેંચના એક હુમલા પછી, બીજા હુમલાની શક્યતા ૫૦% છે. જે લોકોને પ્રથમ હુમલા દરમ્યાન મગજમાં ઇજા થઇ હોય, અને જે લોકોની ન્યુરોલોજીકલ તપાસ-એમ.આર.આઇ. અથવા ઇ.ઇ.જી. અસામાન્ય હોય એમને ખેંચનો બીજો હુમલો ાઅવવાની શક્યતા અધિક છે, અને જે લોકોની તપાસ સામાન્ય હોય એમને ખેંચનો બીજો હુમલો થવાની શક્યતા ઘણી ઓછી હોય છે.
૨) વ્યક્તિને એવું લાગે કે, ખેંચ આવી શકે એવું લાગે છે, ત્યારે વધારાની ગોળી લઇ શકાય?
મોટાભાગની દવાઓને મગજ સુધી પહોંચવામાં ૧૦-૧૫ મિનિટનો સમય લાગે છે, તેથી મુખવાટે લેવાતા ઔષધો ખેંચ થવાને ભાગ્યે જ રોકે.તેમ છતાં, થોડા કલાકોમાં ખેંચ ત્રાટકશે એવું વ્યક્તિને લાગે તો આવી સાવચેતી થી ખેંચનું જોખમ ઓછું થઇ શકે છે.તેમ છતાં, આ માટે તમારા ડૉક્ટર સાથે પરામર્શ કરો.
૩) દર્દી માટે દવા લેવાનો સમય બરાબર સાચવવાનું કેટલું જરૂરી છે?
મોટાભાગનાં દર્દીઓ માટે દવા લેવાના નિયમિત સમય પહેલાં અને પછી ૨ કલાક સુધીમાં દવા લઈ લેવી જોઈએ. દવાના સમયમાં વારેઘડીએ ફેરફાર કરીએ અને નિયમિતતા ન જાળવીએ તો આંચકી આવી શકે છે.
૪) દવાનો ડોઝ ચૂકી જવાય તો શું કરવું?
સામાન્ય નિયમ પ્રમાણે, જો એક ડોઝ ચૂકી જવાય તો, યાદ આવતા જ, જેમ બને તેમ જલદી લેવો જોઇએ. ત્યાર પછીના ડોઝ લેવાના સમયે એકસાથે બે વખતનો ડોઝ ન લો, એમ કરવાથી આડાઅસરો થઇ શકે છે. ટૂંકમામ એમ કહી શકાય કે, ચૂકી ગયેલો ડોઝ તે પછીના ડોઝ પહેલાં, ઓછામાં ઓછા ૨ કલાક પહેલાં લેવો.
૭,
વાઇ / આંચકી / તાણ (EPILEPSY)સાથે સફળતા હાંસલ કરનાર વિશ્વ પ્રસિધ્ધ હસ્તીઓઃનારી વિખ્યાત હસ્તીઓ
રમતવીરોઃ જોન્ટી રહોડ્સ , ટોની ગ્રેગ
સંગીતકારોઃ માઇક સ્કિનર , જ્યોફ રિક્લી
નવલકથાકારોઃ ચાલ્સ ડિકન્સ , થોમસ જોન્સ
કલાકારોઃ ડેની ગ્લોવર
ફિલસૂફોઃ ઇમેન્યુઅલ સ્વીડનબોર્ગ , સોક્રેસ , વિક્ટર હ્યુગો, વોલેસ વીવિંગ.
૮,
વાઇ / આંચકી / તાણ (EPILEPSY) માં પ્રાથમિક ઉપચારની ટિપ્સઃ
૧) સ્થિતિ અંકુશમાં લો
શાંત રહો અને દર્દીની આસપાસ ભીડ કરવાનું ટાળો.
દર્દીને અન્ય જગ્યાએ ખસેડતા નહીં, સિવાય કે તે / તેણી રસ્તો કે દાદર જેવી જોખમી જગ્યાએ હોય.
દર્દીનાં કપડાં ઢીલાં કરો , ખાસ કરીને તેના / તેણીના ગળા આસપાસ ના કપડા ઢીલા કરી શ્વાસની ગૂંગળામણ ટાળો.
૨) દર્દીની સ્થિતિ
દર્દીને હળવેથી એક પડખે સુવડાવો જેથી તેને શ્વાસ લેવામાં મદદ મળે અને મોઢામાં કોઇ દ્રવ્ય હોય તો બહાર નીકળી શકે.
ઇજા ટાળવા માટે તેની / તેણીના માથા નીચે તકીયો, ઘડી કરેલું જેકેટ કે કોઈ પોચી વસ્તુ રાખો.
દર્દી શક્ય આરમદાયક સ્થિતિમાં રહે તેવી કોશિશ કરો.
૩) ઇજા ટાળો
દાદરા, રસ્તો કે કોઇ જોખમી જગ્યાથી દર્દીને હળવેથી સલામત સ્થળે ખસેડો.
દર્દીની આસપાસ જુઓ અને ઇજા પહોંચી શકે તેવું ફર્નિચર, કાચ અને અન્ય ચીજ હોય તો દૂર કરો.
માથા નીચે મૂકવા માટે તકીયો કે અન્ય કોઇ પોચી ચીજ ન મળે ત્યાં સુધી દર્દીના માથા નીચે હાથ મૂકી રાખો.
૪ ) મોઢામાં કશું નાખવાનું ટાળો
આંચકીનો હુમલો આવ્યો હોય તેવી વ્યક્તિના મોઢામાં કોઇ ચીજ (કે ખોરાક) નાખતા નહીં.
કૃપા કરીને નોંધ કરો કે, મોઢામાં કશું પણ નાખવું અત્યંત જોખમી નીવડી શકે છે, કારણ કે તે તેનાં / તેણી નાં ફેફ્સાંમાં જઇ શકે છે અને દર્દીનું મોત નીપજી શકે છે.
એ પણ નોંધી લો કે દર્દી જીભ ગળી જાય એ માન્યતા ખોટી છે. અને આવી ગેરસમજથી દોરવાઈ હાથ વડે જીભ પકડી રાખતા નહીં.
દર્દી ને જોડું કે ડુંગળી સુંઘાડવી નહીં.
૫ ) બળનો ઉપયોગ કરવાનું ટાળો.
આંચકી દરમિયાન દર્દીને દબાણ સાથે પકડી રાખતા નહીં.
તેની / તેણીની હિલચાલ અટકાવવાની કોશિશ કરતા નહીં.
હુમલો આવ્યો હોય તેવી વ્યક્તિને ચીસ પાડીને કે હલાવીને જગાડવાનો વ્યર્થ પ્રયાશ કરતા નહીં.
૬ ) આંચકી પછી
દર્દીને તેની/ તેણીની ડાબી બાજુ સુવાડી અને તેના મોઢાંમાંથી કચરો કે ઊલટી બહાર આવવા દો. દર્દી સંપૂર્ણ ભાનમાં આવે ત્યાં સુધી તેને / તેણીને પાણી , ખોરાક કે દવા આપતા નહીં.દર્દી સંપૂર્ણ ભાનમાં આવે નહીં ત્યાં સુધી તેની / તેણીની સાથે રહો અને તેના પર નજર રાખો.
જો આંચકી પાંચ મિનિટ કરતાં વધુ સમય રહે, પહેલી આંચકી આવ્યા પછી તરત જ બીજી આંચકી આવે, હિલચાલ બંધ થયા પછી દર્દી ભાનમાં ન આવે તો ડૉકટર નો સંપર્ક કરવો.
જો શક્ય હોય તો અન્ય કોઇ વ્યક્તિ દ્વારા આંચકી-તાણનું મોબાઇલ માં / અન્ય કોઇ રીતે વિડિયો રેકોર્ડીંગ કરી લેવું જોઇએ,જેથી તે ડૉક્ટરને બતાવી શકાય. આવા રેકોર્ડિંગથી નિદાન માં મદદ મળે છે.
જો વિડિયો રેકોર્ડિંગ શક્ય ન હોય તો, દર્દીની આંચકી દરમ્યાનની પ્રત્યેક હિલચાલની માનસિક નોંધ રાખો.જેમકે, તેની આંખોની, ચહેરાની, જડબૂ-હાથ પગ ની સ્થિતિ આંચકી દરમ્યાન કેવી હતી? કેટલી મિનિટ હતી? વગેરે.....
૯,
વાઇ / આંચકી / તાણ (EPILEPSY) ની દવાઓની સામાન્ય આડઅસરઃ
ચામડીનું રિએક્શન આવવું. જરૂર કરતાં વધુ ઊંઘ આવવી.
ચક્કર આવવા. ડબલ દેખાવું.
ઝાંખુ દેખાવું. થાક લાગવો.
ચાલવામાં સંતુલન ન રહેવું. માથું દુઃખવું.
વાળ ઉતરવા. વજન વધવું.
દવાનું ચામડીનું રીએક્શન આવવું એ દર્દીની તાસીર ઉપર આધર રાખે છે.
તમારા ડોકટર પાસે તમને આપેલી દવાની સામાન્ય અને જૂજ દેખાતી આડ-અસરો વિશે જાણો અને તેના વિશે નિરીક્ષણ કરતાં રહો.
ઉપરોકત કોઇ પણ આડ-અસર જણાય તો તુરત જ દર્દી એ ડૉકટર નો સંપર્ક કરવો જોઇએ.
આ આડ-અસરો મોટે ભાગે ગંભીર હોતી નથી / કાયમી રહેતી નથી.
દવામાં / દવાના ડોઝ્માં ફેરફાર કરવાથી અને યોગ્ય સારવારથી આ આડ-અસરો નાબૂદ થઇ શકે છે.